Tuesday,26 September 2017 at 9:53 PM
City : surat

પત્રિકા સમૂહ દ્વારા આયોજીત “ધ આઈડિયા એન્યુઅલ ફેસ્ટ” કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિ

લોકશાહીના પાયાના ચાર આધારસ્તંભોમાં મીડિયા એ ચોથો આધારસ્તંભ હોવાનું જણાવી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્ર સમર્પણ સાથે દેશનું હિત જ સર્વોપરી હિત છે તેવી ભાવના સાથે કાર્ય કરીશુ ત્યારે જ બધી સમસ્યાઓનું સમાધાન થશે. ભારત જેવા મોટા લોકશાહી દેશમાં મીડિયાનું યોગદાન વિશેષ રહ્યું છે તેનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, પ્રથમ પ્રિન્ટ મીડિયા ત્યાર બાદ ઈલેકટ્રોનિકસ મીડિયા અને હવે સોશીયલ મીડિયાનો યુગ આવ્યો છે. સમયાતરે મીડિયાનું સ્વરૂપ બદલાતું રહ્યું છે ત્યારે દુનિયા સાથે કદમ પર કદમ મીલાવીને ચાલવું પડશે.

પત્રિકા સમૂહ દ્વારા આયોજીત “ધ આઈડિયા એન્યુઅલ ફેસ્ટ” કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ લોકશાહી પર પોતાના વિચારો રજુ કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ લોકશાહીની અગત્યતા સમજાવતા કહ્યું કે, લોકશાહી નહી બચે તો દેશ, સમાજ અને કુટુંબ પણ નહી બચે. જેથી દેશહિતની ભાવના સાથે આગળ વધવાનો તેમણે અનુરોધ કર્યો હતો.

સામંતશાહી, સરમુખત્યારશાહી કે પછી રાજાશાહીને બદલતા વર્ષો વિતી જાય છે જયારે લોકશાહીને પાંચ વર્ષે બદલાવી શકાય છે. તેમણે કહ્યું કે, ભારતના લોકતંત્રએ બુલેટ નહી બેલેટથી પરિવર્તન કરીને જગતને લોકશાહીના સાચા દર્શન કરાવ્યા છે.

આ પ્રસંગે પત્રિકા સમૂહના ચેરમેન ડો. ગુલાબ કોઠારીએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સરકારના ઔદ્યોગિક વિકાસ, નર્મદા યોજના દ્વારા લોકોને પીવાનું પાણી પહોંચાડવા તેમજ સરકાર અને જનતા વચ્ચે સેતુરૂપ ભૂમિકા જેવા વિષયોની સફળતાઓ વર્ણવી હતી.

આઈડીયા ફેસ્ટના કાર્યક્રમમાં દેશની જાણીતી હસ્તીઓએ શહેર-ગામડાનો વિકાસ, સામાજિક અને રાજનીતિક, ઔદ્યોગિક, તકનીકિ, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક સહભાગીતા પર પોતાના સ્વતંત્ર વિચારો રજુ કર્યા હતા.

39 total views, 1 views today

Post Comments

Your email address will not be published. Required fields are marked *