Monday,18 December 2017 at 4:40 AM
City : surat

સુરત શહેરમાં મહિલાઓને સુરક્ષિત મુસાફરી અર્થે મહિલાઓ દ્વારા સંચાલિત “પીન્ક ઓટો રીક્ષા” યોજનાનો શુભારંભ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સુરત ખાતે રૂા.૧૦૦૭ કરોડના વિવિધ પ્રકલ્પોની ભેટ ધરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના અમદાવાદ, રાજકોટ, વડોદરા, દાહોદ ગાંધીનગર અને સુરત એમ ૬ શહેરોને સ્માર્ટસીટી તરીકે વિકસાવવાનો દરજ્જો આપ્યો છે. જેમાં કેન્દ્ર સરકારના રૂા.૫૦૦ કરોડ અને રાજય સરકારના રૂા.૨૫૦ કરોડ તથા સબંધિત શહેરના ૨૫૦ કરોડ રૂપિયા મળીને કુલ રૂપિયા એક હજાર કરોડના ખર્ચે સ્માર્ટ સીટીને વિકાસાવાશે. આધુનિક શહેરને શોભે તેવી પાણી-સફાઈ ટ્રાન્સપોર્ટ, ઈ-ગવર્નન્સ- ગ્રીન રીવોલ્યુશન તથા રી-સાયકલિગ સહિતની તમામ માળખાકીય સુવિધાઓ ઉભી કરીને સુરત સહિત રાજયના અન્ય પાંચ શહેરો વર્લ્ડ કલાસ બનશે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, એક જમાનામાં સુરત રોગચાળો પ્લેગનું બદસૂરત શહેર ગણાતું હતું. જે વર્તમાન સરકાર આવી ત્યારથી સુરત ખુબસૂરત-સ્માર્ટસીટી બન્યું છે. જેના વિકાસને જોવા અન્ય રાજયોની ટીમો- બહારના રાજયોના લોકો સુરતની મુલાકાતે આવી અહીના વહીવટીતંત્રની કામગીરી જુએ છે અને સુરતના વિકાસને જોઈ તેમાંથી પ્રેરણા લઈ તેમના શહેરોનો વિકાસ કરે છે તે આપણા માટે ગૌરવની વાત છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજયમાં એક હજાર સાત કરોડના શહેરોના વિવિધ વિકાસ કામો કરાશે. ૧૯૯૫માં રાજયનું બજેટ માત્ર પાંચ હજાર કરોડનું હતું. આજે એકલા સુરતનું બજેટ ૫૪૦૦ કરોડનું છે. ૧૯૯૫થી અત્યાર સુધીમાં રૂા.૧.૭૨ કરોડનું બજેટ થયું છે. વિકાસની હરણફાળમાં મહેનત, પૈસા, મેનપાવર સમાજનો સહકાર અને લોકોની સહભાગીદારીથી બધુ જોડાતું હોય તેમ પણ ઉમર્યું હતું.

મુખ્યમંત્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી કહ્યું છે કે, “ખાતો નથી ખાવા દેતો નથી” પ્રજાનો હિસાબ જે ટેક્ષ માફરત આવે છે તે પ્રજા માટે વપરાય, વિકાસની ચરમસીમાનો લાભ ગરીબ માનવીને હોસ્પિટલમાં સસ્તી દવા, સારવાર, શુધ્ધ પીવાનુ પાણી, રસ્તો, કૃષિ-સિંચાઈ, શિક્ષણનો વ્યાપ વધે, ગરીબ અને મધ્યમ વર્ગને ઉચ્ચ ટેકનીકલ રોજગારલક્ષી શિક્ષણનો લાભ અને રોજીરોટી મળે તે રીતે પીડીત-શોષીત ગરીબ અને આદિવાસી સૌનો પ્રમાણિકપણે સર્વાગી વિકાસ કરવાની રાજય સરકારની પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી. તેમણે જણાવ્યું કે, તત્કાલિન વડાપ્રધાન સ્વ.રાજીવગાંધી દિલ્હીથી એક રૂપિયો મોકલતા જેમાંથી ૧૫ પૈસા લોકો સુધી પહોચતા હતા જયારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે, એક રૂપિયો મોકલીને સવા રૂપિયાનુ કામ થવું જોઈએ. આ બાબતને ધ્યાનમાં રાખી ગુજરાત વિકાસની વાટે કુદકેની ભુસકે આગળ વધી રહ્યું છે.

આ સરકારે વર્ષોથી શહેરી વિસ્તારમાં વસતા લોકો શાંતિથી જીવે અને રોટલા સાથે ઓટલો પણ મળી રહે તે માટે હિંમતભેર કાયદામાં સુધારો કરીને યુ.એલ.સી.ની જમીનો પર વસતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સાચા અર્થમાં માલિકી હક્ક આપ્યા હોવાનું તેમણે કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ સુરત ખાતે શરૂ થયેલા સોલાર પ્લાન્ટથી વાર્ષિક ૬૦ લાખ યુનીટ વિજ ઉત્પાદન થશે જેનાથી પાલિકાને વાર્ષિક રૂા.૩.૯૦ કરોડની વીજ બચત થશે તેમ જણાવી ઉમેર્યું કે, ડ્રેનેજનું પાણી શુધ્ધ કરી સદ્દઉપયોગ કરવાની, કચરામાંથી વિજળી પેદા કરવા સૌર ઉર્જા-પવનચક્કી દ્વારા વાયુ ઉર્જાનો ઉપયોગ કરી વિજળી ઉત્પાદન કરવાની જે પહેલ કરી છે તેમાંથી રાજયના અન્ય શહેરો પ્રેરણા લેશે તેવી આશા વ્યકત કરી હતી. આગામી દિવસોમાં યુવાનોની બુધ્ધિ-શકિતનો ઉપયોગ કરી શહેરી સમસ્યાઓનું નિવારણ કરવા અપીલ કરી હતી. તેમણે સુરત મહાનગરપાલિકાની ટીમને સુરત શહેરના વિકાસ માટે લીધેલા પગલાઓને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે સુરત શહેરમાં મહિલાઓને સુરક્ષિત મુસાફરી અર્થેની મહિલાઓ દ્વારા સંચાલિત પિન્ક ઓટો રીક્ષા યોજનાનો શુભારંભ, સેન્ટ્રોલ કન્ટ્રોલ મોનીટરીંગ સીસ્ટમ એલઈડી સ્ટ્રીટ લાઈટનું લોકાર્પણ, રૂા.૧૦૦૭.૩૧ કરોડના વિવિધ પ્રકલ્પોનું તકિત અનાવરણ, સુરત સીટીલિક મોબાઈલ એપ તથા સ્માર્ટ સીટી મોબાઈલ એપનુ; લોન્ચીંગ કરાયું હતું.

આ પ્રસંગે મેયરશ્રીમતિ અસ્મિતાબેન શિરોયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે શિક્ષણ રાજયમંત્રીશ્રી નાનુભાઈ વાનાણીએ જણાવ્યું હતું કે, સૂરત શહેર રાજયમાં સૌથી ઝડપી વિકસતુ શહેર બન્યું છે તેમાય પીન્ક ઓટો રીક્ષા યોજના શરૂ થતા મહિલા સશકિતકરણમાં એક ડગલું આગળ વધી રાજયના વિકાસની સાથે તાલ મીલાવીને વિકાસની ઉચાઈઓ સર કરી રહ્યું છે. આ પ્રસંગે દંડકશ્રી અજયભાઈ ચોકસી, સાંસદશ્રીમતિ દર્શનાબેન જરદોશ, ધારાસભ્યસર્વશ્રી નરોત્તમભાઈ પટેલ, પ્રફુલ્લ પાનશેરીયા, શ્રીમતી ઝંખનાબેન પટેલ, મુકેશ પટેલ, રણજીતભાઈ ગીલીટવાલા, કિશોરભાઈ કાનાણી, શ્રીમતી સંગીતાબેન પાટીલ, મ્યુ.કમિશનરશ્રી એમ.થેન્નારસન, મ.ન.પા.ના પદાધિકારીઓ-અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

41 total views, 1 views today

Post Comments

Your email address will not be published. Required fields are marked *