Saturday,19 August 2017 at 10:02 PM
City : surat

ઉદ્યોગ કમિશ્નર મમતા વર્માની અધ્યક્ષતામાં પિંજરત ખાતે સાકાર થનારા “મેગા ટેક્ષટાઇલ પાર્ક” ની ફિઝીબીલીટી અંગે સમીક્ષા બેઠક યોજાઈ

ટેક્ષટાઇલ ઉદ્યોગને પ્રોત્સાહન મળે તેમજ અન્ય દેશોની સરખામણીએ ટેક્ષટાઇલ એક્સપોર્ટ વધે તે હેતુથી ઓલપાડ તાલુકાના પિંજરત ખાતે સાકાર થનારા ‘મેગા ટેક્સટાઇલ પાર્ક’ની ફિઝીબીલીટી અંગે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ અને જિલ્લા કલેક્ટર શ્રી મહેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે ઉદ્યોગ કમિશ્નર મમતા વર્માની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠકમાં ટેક્ષટાઇલ ઉદ્યોગપતિઓની ઉદ્યોગલક્ષી જરૂરિયાતો અને માંગણીઓ પર ચર્ચા-વિચારણા થઇ હતી. અન્ય દેશોની સરખામણીએ સ્થાનિક ટેક્ષટાઇલ ઉદ્યોગકારોના વેપારનો વ્યાપ વધે તેમજ વિશ્વસ્તરીય ગુણવત્તા સાથેના વધુ ઉત્પાદન ક્ષમતાવાળા વિવિંગ, પ્રોસેસિંગ એકમોની સ્થાપના માટે ૧૫૦૦ કરોડના ખર્ચે ‘મેગા ટેક્ષટાઇલપાર્ક’ સાકાર થવા જઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષે પ્રોજેકટ માટે લીલી ઝંડી મળતા ઉદ્યોગ કમિશ્નર મમતા વર્માએ સરકાર દ્વારા શક્ય તમામ સહાય પૂરી પાડવાની ખાતરી આપી હતી.

ઓલપાડના પિંજરત ખાતે સાકારિત થનારા ‘મેગા ટેક્ષટાઇલ પાર્ક’માં ૭૦ લાખ ચોરસ વાર જગ્યામાં ૧૦૦ જેટલા મોર્ડન તેમજ વિશાળ પ્રોસેસિંગ હાઉસો, ૨૨૫ ગાર્મેન્ટ્સ અને ૨૫ એકમો સ્થાપવામાં આવશે. ઉદ્યોગ કમિશ્નરે ચેમ્બરના પ્રતિનિધિઓ સાથે ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, પિંજરત ખાતેની ખારાપાટની જમીનમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ તેમજ સી.ઇ.પી.ટી., કેપ્ટીવ પાવર પ્લાન્ટ, સોલાર એનર્જી કોમન ફેસિલિટી સાથેનો મેગા ટેક્સટાઇલ ઉભો થવાથી સુરત અને આસપાસના વિસ્તારના મોટા પ્રોસેસિંગ અને વિવીંગ એકમો અદ્યતન ટેક્નોલોજી સાથે પ્રદુષણમુક્ત વાતાવરણમાં ઉદ્યોગ કરી શકશે. કેન્દ્ર સરકાર પણ પ્રોસેસિંગ એકમોને ઉતેજન આપવા તત્પર છે. તેમણે ઉમેર્યું કે, શહેરમાંથી પ્રદૂષણનું ભારણ ઘટવાની સાથે વિશ્વના અન્ય ટેક્ષટાઇલ સેક્ટર સાથે બરોબરી કરી શકાશે.

આ પ્રસંગે અધિક કલેક્ટર શ્રી સંજય વસાવા, ચેમ્બર પ્રમુખ પી.એમ.શાહ સહિત ચેમ્બર પ્રતિનીધીઓ ઉપસ્થિત રહ્યા હતા.

20 total views, 1 views today

Post Comments

Your email address will not be published. Required fields are marked *