Sunday,25 February 2018 at 7:25 PM
City : surat

ટેક્ષટાઇલ ઉદ્યોગના હિતમાં જી.એસ.ટી.ના કાયદામાં સરકાર દ્વારા સુધારા કરવામાં આવશે : કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સમૃદ્ધિ ભવન ખાતે કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ, હાઇવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઇઝર્સ વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં શહેરના વિવિધ ઉદ્યોગપતિઓ અને એસોસિએશનના હોદ્દેદારોએ જી.એસ.ટી.ની સમસ્યાઓ સંદર્ભે મૌખિક તથા લેખિતમાં કેન્દ્રીય મંત્રીશ્રીને રજુઆત કરી હતી.

મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાએ વેપારી અને ઉદ્યોગપતિઓને જણાવ્યુ હતું કે, સુરતમાં જી.એસ.ટી. સંદર્ભે ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરવા માટે કેન્દ્ર સરકારે મને આપની વાત સંભાળવા મોકલ્યો છે. સમાજમાં વેપારી અને ઉદ્યોગપતિઓ મહાજનો ગણાય છે. મહાજનો દ્વારા જ સંપત્તિનું સર્જન થઇ શકે. કારણ કે મહાજનો થકી લાખો લોકોને રોજગારી અને આપના દ્વારા ભરવામાં આવતા ટેકસ થકી સરકારને થતી આવક રાષ્ટ્રનિર્માણમાં ઉપયોગ કરી સરકાર દેશનો વિકાસ સાધી શકે છે.

તેમણે ઉમેર્યું કે, રાષ્ટ્રનું કલ્યાણ થાય તે માટે જ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ડિમોનિટાઇઝેશન અને જી.એસ.ટી. જેવા બે મહત્વના નિર્ણયો કર્યા છે. કેન્દ્ર સરકાર વેપાર અને ઉદ્યોગને પ્રોત્સાહન આપનારી સરકાર છે. જી.એસ.ટી. અને ડિમોનિટાઇઝેશન એ આર્થિક રિફોર્મ છે. વડાપ્રધાન દેશને બદલવાની કોશિશ કરી રહયા છે અને તે માટે ઇકોનોમી રિફોર્મની આવશ્યકતા છે. જી.એસ.ટી. નો આટલો મોટો નિર્ણય જયારે કરવામાં આવ્યો છે ત્યારે તેમાં ત્રુટિઓ રહી જવાનું સ્વાભાવિક છે. આ ત્રુટીઓ અને ખામીઓને સુધારવામાં આવશે. ડિમોનિટાઇઝેશનમાં પણ સરકારે ૧૦૮ જેટલા સુધારા કર્યા હતા. સુરતમાં ટેક્ષટાઇલ, ડાયમંડ, જરી, કેમિકલ તથા અન્ય ઇન્ડસ્ટ્રીના રર જેટલા એસોસિએશન અને રપ૦થી વધુ પ્રતિનિધિઓને હું મળ્યો છું. તેમના વિવિધ પ્રશ્નોને જી.એસ.ટી. કાઉન્સિલ સમક્ષ મૂકી તેમના નિરાકરણ માટે પ્રમાણિકપણે પ્રયત્ન કરવાની તેમણે ખાતરી ઉચ્ચારી હતી. મહત્તમ પ્રશ્નોના ઉકેલ આવી જશે એવી તેમને આશા વ્યકત કરી હતી.

ગુજરાતના જળસંપતિ અને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી નાનુભાઈ વાનાણીએ બીજા દેશો સાથેની હરીફાઇમાં ટકવા માટે એક જ ટેકસ સ્ટ્રકચર અને એક જ માર્કેટ જરૂરી હોવાનું જણાવી કહ્યું કે, છેલ્લાં પંદરેક વર્ષથી જી.એસ.ટી. ઉપર સક્રીય રીતે ચર્ચા ચાલતી હતી. આ નિર્ણયમાં રહેલી ત્રુટીઓ-ખામીઓમાં સુધારો કરવાનો પણ અવકાશ છે, અને સરકારનું મન પણ ખુલ્લું છે. એટલા માટે જ કેન્દ્ર સરકારે રાજય સરકાર સાથે મળી મંત્રીશ્રી ગણપતભાઇ વસાવા, આત્મારામભાઇ પરમાર અને મારી કમિટી બનાવી સુરતની વિવિધ ઇન્ડસ્ટ્રીના પ્રશ્નોના નિરાકરણ માટેની જવાબદારી સોંપી છે.

બેઠકમાં વિવિંગ ઇન્ડસ્ટ્રી, કેમિકલ ઇન્ડસ્ટ્રી, ટેક્ષટાઇલ ઇન્ડસ્ટ્રી, ડાયમંડ ઇન્ડસ્ટ્રી, જરી ઉદ્યોગ, નેરો ફેબ્રિક ઇન્ડસ્ટ્રી, બેકરી ઈન્ડસ્ટ્રી, પ્લાસ્ટીક ઇન્ડસ્ટ્રી અને ઉમરગામ ઇન્ડસ્ટ્રીના એસોસિએશન દ્વારા રજુઆત કરવામાં આવી હતી. જી.એસ.ટી.માં ભરવામાં આવનારા ફાઇનલ રિટર્ન, આઇટીની સમસ્યા તથા પાનકાર્ડની સમસ્યાનો ઝડપી નિકાલ લાવવા માટે પણ મંત્રીશ્રી સમક્ષા રજુઆતો કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી મહેન્દ્રભાઇ પટેલ, સેન્ટ્રલ એક્સાઈઝના એડીશનલ કમિશ્નરશ્રી કે.એસ. મિશ્રા, શ્રી સચિન સિંઘ, ચેમ્બર પ્રમુખ પી.એમ. શાહ સહિત મોટી સંખ્યામાં સી.એ., તથા વેપારી અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.

72 total views, 0 views today

Post Comments

Your email address will not be published. Required fields are marked *