Monday,18 December 2017 at 4:36 AM
City : surat

માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા આયોજીત સર્વરોગ નિદાન કેમ્પને ખુલ્લો મૂકતા વન અને આદિજાતિમંત્રી ગણપતસિંહ વસાવા

સૂરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા આયોજીત સર્વરોગ નિદાન કેમ્પને વન અને આદિજાતિ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ ખુલ્લો મૂકયો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વર્ષોથી સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુકોનું વિતરણ, સમૂહ લગ્નોનું આયોજન, ગૌદાન, હોસ્પિટલમાં દર્દીઓને તિફીન સેવા જેવી અનેક સેવાભાવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. છેવાડાના ગરીબ દર્દીઓને વિનામૂલ્યે દવાઓ, સારવાર મળી રહે તે માટે ટ્રસ્ટ દ્વારા આંખ, ગળા, ઓર્થોપેડિક, ચામડી જેવા સર્વ રોગોના નિદાન, સારવાર તેમજ વિનામૂલ્યે દવાઓના વિતરણ માટેનો કેમ્પ યોજાયો છે. આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા ગરીબ દર્દીઓને વિનામૂલ્યે દવાઓ મળી રહે તે માટે પાંચ લાખની દવાઓ પણ આપવામાં આવી છે. આ તકે મંત્રીશ્રીએ સ્વાઈન ફલુના રોગથી સાવચેત રહેવાની અપીલ કરીને જો કોઈ લક્ષણો જણાય તો સત્વેર નવી સીવીલ હોસ્પિટલમાં તેનો ટેસ્ટ કરાવી લેવાનો અનુરોધ કર્યો હતો. આ તકે શ્રી કે.પી.શાસ્ત્રી સ્વામીએ ટ્રસ્ટની અનેકવિધ પ્રવૃત્તિઓની વિગતો આપીને તેના સેવાકીય કાર્યોને બિરદાવ્યા હતા.

મંત્રીશ્રીના હસ્તે ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી વિનામૂલ્યે દવાઓનું ડોકટરશ્રીઓને અર્પણ કરવામાં આવી હતી. આ વેળાએ યોજાયેલા કેમ્પમાં એક હજારથી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં માંગરોળ અને ઉમરપાડાના તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, જિલ્લા સંગઠન પ્રમુખશ્રી દિલિપસિંહ રાઠોડ, નવી સીવીલ હોસ્પિટલના સુપ્રિટેન્ટશ્રી એમ.કે.વાડેલ, સીવીલ તથા જિલ્લા પંચાયતના ડોકટરશ્રીઓ-કર્મચારીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને દર્દીઓની તપાસ તથા સારવાર કરી હતી.

54 total views, 2 views today

Post Comments

Your email address will not be published. Required fields are marked *