Sunday,25 February 2018 at 7:27 PM
City : surat

રૂા.૧૦.૬૧ કરોડના ખર્ચે નવનિર્મિત ત્રણ પોલિસ ભવનોનું લોકાર્પણ કરતા ગૃહરાજયમંત્રી

ગૃહરાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ સુરત શહેર ખાતે રૂા.૧૦.૬૧ કરોડના ખર્ચે નવ નિર્મિત આધુનિક સુવિધાયુક્ત ત્રણ પોલિસ ભવનોનું લોકાર્પણ તથા રૂા.૪ લાખના ખર્ચે પ્રજાજનોની અરજીઓનો સમયસર નિકાલ માટે સીગલ વિન્ડો સીસ્ટમનું લોકાર્પણ કર્યું હતું.

રાજય પોલિસ આવાસ નિગમ લિ. દ્વારા નિર્મિત અંદાજિત રૂા.૬૨૧.૬૯ લાખના ખર્ચે નિર્મિત અઠવાલાઈન્સ પોલીસ હેડ કવાર્ટર તથા ચોક બજાર ખાતે રૂા.૩૦૮ લાખના ખર્ચે ડિસીબી પોલીસ સ્ટેશન તેમજ રૂા.૧૩૧ લાખના ખર્ચે અડાજણ ખાતે અર્બન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ થયું હતું. ઉપરાંત ગૃહરાજયમંત્રીએ પોલિસ કમિશનર કચેરી ખાતે એક જ સ્થળેથી સમયસર અરજીઓનો નિકાલ આવે તેવા ઉમદા હેતુંથી ‘‘આસાન’’ સિંગલ વિન્ડો સિસ્ટમનું ઉદ્દઘાટન કર્યું હતું. ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પારદર્શકતા, પ્રામાણિકતા, સંવેદનશીલતા અને નિર્ણાયકતાના ચાર સ્થંભ પર રચાયેલી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે પોલિસ વિભાગમાં સંવેદનશીલતાને જનહિત માટે વિશેષ મહત્વ આપ્યું છે. વિકાસના મૂળમાં કાયદો અને વ્યવસ્થાની ઉત્તમ પરીસ્થિતિ ન હોય તો વિકાસ શક્ય નથી. ગુજરાત રાજ્યની સુખ અને સમૃદ્ધિના મૂળમાં કાયદો અને વ્યવસ્થાના સખત અમલીકરણથી પ્રસ્થાપિત થયેલ શાંતિ અને સલામતી છે. મંત્રીશ્રીએ સૂરતના ઝડપી વિકાસમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થાનું પરિણામ છે તેમ જણાવી ઉમેર્યું હતું કે, પોલીસ કમિશ્નર કચેરીમાં શરુ કરવામાં આવેલ સિંગલ વિન્ડો સિસ્ટમ ‘આસન કેન્દ્ર’ એ વહીવટમાં આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને અરજદારને પોતાની અરજી એક જ જગ્યાએ આપવાથી સરળતા અને તેની ઈચ્છા મુજબ પ્રશ્નનું નિરાકરણ આવે તેવી

સૂરત પોલિસની વ્યવસ્થાને બિરદાવી ઉમેર્યું કે, ગુજરાતની આર્થિક રાજધાની ગણાતું સુરત આજે તમામ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિના શિખરો સર કરી રહ્યું છે.

ગૃહરાજયમંત્રીએ જણાવ્યું કે, ગાંધીજીના ગુજરાતને નશામુક્ત બનાવવા માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા નશાબંધીનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના યુવાધનને નશાની ચુંગાલમાંથી બહાર કાઢવા માટે રાજ્યમાં દારૂબંધી અને હુક્કાબાર પર નિયંત્રણ લાવવાનો કડક કાયદો બનાવ્યો છે. ગૌવંશ હત્યા અટકાવવા માટે સખત કાયદાથી ગુજરાતે દેશમાં નવો રાહ ચીંધી અન્ય રાજ્યોને પ્રેરણા પૂરી પાડી છે.

આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે, આ પોલીસ મથકના સુવિધાપૂર્ણ વાતાવરણથી અરજદારોમાં એક વિશ્વાસ કેળવાશે અને તેઓ પૂર્ણ ધરપત સાથે સરળતાથી પોલીસની મદદ મેળવી શકશે. ફરિયાદીઓ અને પોલીસકર્મીઓને એકસરખી ઉપયોગી બની રહેશે. રાજ્ય સરકાર નાગરિકોની શાંતિ અને સલામતીના ચૂસ્ત અને અસરકારક પ્રબંધ માટે પ્રતિબધ્ધ હોવાનું જણાવ્યુ હતું.

મંત્રીશ્રીએ જણાવ્યું કે, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારેવિકાસની બાબતે સમગ્ર દેશમાં ગુજરાત મોખરે હતું. આજે તેઓ દેશના વડાપ્રધાન છે ત્યારે સમગ્ર વિશ્વસ્તરે વિકાસની બાબતમાં ભારત દેશની નોંધ લેવાઈ રહી છે. જે આપણા માટે ગૌરવની વાત છે. આ પ્રસંગે મંત્રીશ્રીએ સંકલ્પ પર્વ નિમિત્તે સમાજ, રાજ્ય અને રાષ્ટ્રની સુખ સમૃદ્ધિ વધે તે માટે ઉપસ્થિત સૌને સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે શિક્ષણ રાજયમંત્રીશ્રી નાનુભાઈ વાનાણીએ જણાવ્યું હતું કે, વિકાસના પાયામાં શાંતિ, કાયદો અને વ્યવસ્થા મહત્વના પરિબળો રહેલા છે. કોઈ પણ રાષ્ટ્રનો વિકાસ પંચશકિતના આધારે થતો હોય છે. ગુજરાતએ કાયદો અને વ્યવસ્થાના પેરામીટરમાં અગ્રસ્થાને છે. શહેરમાં હિરા ઉદ્યોગનો વિકાસએ આ શાંતિ અને કાયદાને આભારી હોવાનું તેમણે કહયું હતું. સમગ્ર દેશમાં સીસીટીવી પ્રોજેકટએ લોકભાગીદારીનું ઉત્તમ ઉદાહરણરૂપ છે.

આ વેળાએ સંસદીય સચિવશ્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, શહેરના ઈતિહાસમાં ત્રણ ભવનોનો લોકાર્પણ થયું હોય તેવી પ્રથમ ઘટના છે. વિકાસની સાથે ઝડપથી વધતી જતી વસ્તીના પરિણામે આધુનિક ટેકનોલોજીયુકત પોલિસ ભવનના નિર્માણમાં પણ રાજય સરકાર આગળ વધી રહી હોવાનું કહયું હતું.

આ અવસરે મેયરશ્રીમતિ અસ્મિતાબેન શિરોયાએ ટેકનોલોજીના સમન્વય સાથે તાલ મીલાવીને પોલિસ વિભાગ આગળ વધી શકે તે માટે આધુનિક ભવનોના નિર્માણ કરવા બદલ રાજય સરકારનો આભાર વ્યકત કર્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન કરતા શહેર પોલિસ કમિશનરશ્રી સતિશ શર્માએ જણાવ્યું હતું કે, પ્રજા પોલિસથી નહી પણ કાયદાથી ડરે તેવા પ્રકારનું વાતાવરણ ઉભુ થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સુરત શહેરએ દેશના ઝડપથી વિકસતા જતા શહેરો પૈકીનું એક છે. વિકાસની સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્દઢ બનાવવા માટે રાજય સરકાર દ્વારા શહેરને એક વર્ષના

ગાળામાં ૫૦૦ લોકરક્ષક, ૬૨થી વધુ એ.એસ..આઈ. આપ્યા છે. શહેરની ટ્રાફિક, સાયબર ક્રાઈમને પહોચી વળવા માટે અદ્યતન સાધનો સાથે ટેકનોલોજીના સમન્વય થકી પોલિસે પોતાની કામગીરીમાં પણ બદલાવ લાવવો પડશે. તેમણે કહ્યું કે, શહેરમાં ગત વર્ષ કરતા આ વર્ષે પ્રાણ ધાતક અકસ્માતોનું ૪૪ ટકા પ્રમાણ ધટયું છે. વડાપ્રધાનશ્રીના કાર્યક્રમો, ટેકટાઈલક્ષેત્રે થયેલા આંદોલનોમાં પોલિસે પૂર્ણ સંયમ સાથે કામગીરી સુપેરે પાર પાડી હોવાનું તેમણે ઉમેર્યું હતું. આ વેળાએ યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં દંડકશ્રી અજયભાઈ ચોકસી, સાંસદશ્રીમતિ દશર્ના જરદોશ, સી.આર.પાટીલ તથા ધારાસભ્યસર્વશ્રી નરોત્તમભાઈ પટેલ, જનકભાઈ પટેલ, શ્રીમતિ ઝંખના પટેલ, શ્રીમતિ સંગીતા પાટીલ, મુકેશ પટેલ, જિલ્લા કલેકટરશ્રી મહેન્દ્ર પટેલ, મ્યુ.કમીશનરશ્રી એમ.થૈન્નારસન, શહેર પક્ષ પ્રમુખશ્રી નીતિનભાઈ ભજીયાવાલા, પોલિસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, મહાનગરપાલિકાના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

85 total views, 0 views today

Post Comments

Your email address will not be published. Required fields are marked *